Tuesday, July 28, 2015

વિલિયમ શેકસપિયર


people.brandeis.edu
મહાન નાટ્યકાર વિલિયમ શેક્સપિયર વિલિયમ શેક્સપિયરનો જન્મ 23/4/1564 ના રોજ ઇંગ્લેન્ડના સ્ટ્રેટફોર્ડ ગામમાં થયો હતો. પિતાને આર્થિક ટેકો મળે તે માટે વિલિયમ નોકરી ધંધામાં જોડાયો. દરમિયાન લંડનની એક સારી ગણાતી કંપનીમાં તેને થોડુંક મનગમતું કામ મળી ગયું. નાટક લખવાની ઇચ્છા થઇ અને જુદા જુદા થિયેટરોમાં થોડી કલમ ચલાવ્યા પછી ગ્લોબ થિયેટરમાં તેમની કલમ ઝળકી ઊઠી. જોતજોતામાં તો તેમની નાટ્યલેખક તરીકેની પ્રતિષ્ઠા જામી ગઇ. તેમણે ઘણાં સુખાંત નાટકો પણ લખ્યાં. નાટકોના કથાનકો કે વિષયો જડ્યાં ત્યાંથી શેક્સપિયરે ઉપાડયાં હતાં. રોબર્ટ ગ્રીન નામના એક નાટયલેખકે ઇર્ષ્યાથી ખિજાઇને શેક્સપિયરને પારકા પીંછાથી શોભતો કાગડો કહી નાખેલો. મેકબેથ, જુલિયસ, સિઝર, ઓથેલો, હેમ્લેટ, રોમિયો અને જુલિયેટ, કિંગલીઅર સહિત તેમણે 37 નાટકો અને 154 સોનેટોની વિપુલ સમૃદ્ધિ આપી. તેમણે 1600 થી વધુ શબ્દો અંગ્રેજી ભાષાને ભેટ આપીને જાણે કે તેઓ અંગ્રેજી ભાષાના સમ્રાટ બન્યા છે. એમની સર્વતોમુખી પ્રતિભા વડે જોતજોતામાં તે પોતાના સમકાલીન કવિઓમાં મોખરે જઇને ઊભા રહ્યા. એટલું જ નહીં પણ વિદ્વાન બેન જોન્સનના શબ્દોમાં કહીએ તો સર્વકાળના સર્વશ્રેષ્ઠ કવિ તરીકે પોતાની નામના તેમણે અંકિત કરી. જીવનના 50 વર્ષ વટાવ્યા પછી તેમની તબિયત લથડવા માંડી. પોતાની જન્મ તારીખ, એપ્રિલની 23 મી તારીખે ઇ.સ.1616 માં શેક્સપિયરે આ જગતમાંથી ચિરવિદાય લીધી.

No comments: