રમુજી ટૂચકાઓ

બાયોલોજીની પ્રાયોગિક પરીક્ષામાં મગનને શિક્ષકે એક પગ દેખાડીને પૂછ્યું : ‘આ કયું પક્ષી છે ?’

મગનને જવાબ ન આવડ્યો તેથી નાપાસ કર્યો. શિક્ષકે એને માર્ક મૂકતાં પહેલાં પૂછ્યું : ‘તારું નામ ?’
મગને પગ ઊંચો કર્યો : ‘તમને આવડે તો લખી લો !’
*********
છોકરી પ્રાર્થના કરતી હતી : ‘હે ભગવાન, કોઈ સમજદાર છોકરા સાથે લગ્ન કરાવજે….’
ભગવાન : ‘પ્રાર્થના બદલ બેટા, સમજ્દાર હોય એ પરણે જ નહીં.’
**********
બાપુ પિતૃશ્રાદ્ધ માટે બેઠા. બ્રાહ્મણ કહે : ‘બાપુ, નવ જાતનાં ધાન લાવો. કંકુ, ચોખા ને સોપારી લાવો…’
બાપુ : ‘અલ્યા ડફોળ, નવ ધાન ઘરમાં હોત તો આ પિતૃ બધા હજી જીવતા ના હોત !’
**********
એક માણસે એની સાસુના ખાટલા પર સાપ જોયો. બારમાંથી આઠ મહિના સાથે રહેતી સાસુથી કંટાળેલા માણસે સાપને કહ્યું : ‘ભાઈ, જરા મારી સાસુને કરડતો જાને !’
સાપ : ‘ના પોસાય દોસ્ત… હું મારું રિચાર્જ એની પાસેથી જ તો કરાવું છું.’
*********
સુનીલ : ‘એક માણસ ગધેડાને ગાંડાની જેમ મારતો હતો. અચાનક એનો હાથ થંભી ગયો. એનામાં ક્યા સદભાવનો ઉદય થયો હશે ?’
અનિલ : ‘બંધુત્વ’
***********
પત્ની : ‘તમે ઊંઘમાં બરાડા કેમ પાડો છો ?’
પતિ : ‘સ્વપ્નમાં પણ તું માનતી નથી !’
***********
કેરોની બજારમાં અંગ્રેજ પ્રવાસીને ત્યાંના ફેરિયાએ રાણી કિલયોપેટ્રાની ખોપરી બતાવી કહ્યું : ‘માત્ર 100 પાઉન્ડ.’
પ્રવાસી : ‘આભાર, પણ ઘણી મોંઘી છે.’
ફેરિયો : ‘આ નાની ખોપરી માટે શું વિચાર છે ?’
પ્રવાસી : ‘કોની છે ?’
ફેરિયો : ‘ક્લિયોપેટ્રા નાની હતી ત્યારની છે.’
************
એક મોટી ફેકટરીના મૅનેજરે એક યુવકને સિગરેટ પીતાં પીતાં ફરતો જોયો. એણે તુરત એ યુવકને પોતાની કેબિનમાં બોલાવ્યો અને પૂછ્યું : ‘તને કેટલો પગાર મળે છે ?’
‘ચાર સો રૂપિયા.’
‘આ રહ્યો તારો એક માસનો પગાર. તને છૂટો કરવામાં આવે છે.’
યુવક જેવો કૅબિનમાંથી બહાર ગયો કે તુરત તેમણે ત્યાં બેઠેલા એકાઉન્ટન્ટને પૂછ્યું : ‘આ યુવાન આપણે ત્યાં કેટલા વખતથી કામ કરી રહ્યો છે ?’
‘એ આપણે ત્યાં કામ કરતો નથી. એ તો પાર્સલ આપવા આવ્યો હતો !’
**************
એક ચોર ચોરી કરતાં પકડાઈ ગયો. એને કોર્ટમાં મેજિસ્ટ્રેટની સામે ઊભો કરવામાં આવ્યો અને મેજિસ્ટ્રેટે તેને કહ્યું : ‘તારા ખિસ્સમાં જે કાંઈ હોય તે બધું જ ટેબલ ઉપર મૂકી દે.’
આ સાંભળી ચોર બોલી ઊઠ્યો : ‘આ તો હળાહળ અન્યાય છે, સાહેબ. માલના બે સરખા ભાગ પાડવા જોઈએ.’
************
એક પ્રવાસી રેલવેના ડબ્બામાં ચડ્યો અને પતરાની સૂટકેસ ઉપરની બર્થ ઉપર તેણે એવી રીતે મૂકી કે અરધો ભાગ બર્થની અંદર અને અરધો ભાગ બર્થની બહાર રહેતો હતો. એ બર્થની નીચે એક યુવતી બેઠી હતી. એણે ગભરાતાં ગભરાતાં કહ્યું : ‘જો આ સૂટકેસ મારી ઉપર પડશે તો ?’
‘તો કશો જ વાંધો નથી, બહેન, તૂટી જાય એવી એકેય વસ્તુ એમાં નથી.’
*************
ડૉક્ટરે દરદીને કહ્યું : ‘તમારે હમેશાં નિયમ મુજબ રહેવું જોઈએ.’
‘હું તો હમેશાં નિયમસર જ રહું છું.’
‘તમે આ સાચું કહેતા નથી. મેં ગઈકાલે સાંજે તમને એક બાગમાં એક યુવતી સાથે ફરતા જોયા હતા.’
‘એ તો મારો રોજનો નિયમ જ છે.’
*************
એક સ્ત્રીએ એક ફકીરને કહ્યું : ‘તું જુવાન છે, તાકાતવાન પણ છે, તો પછી મહેનતમજૂરી કેમ નથી કરતો ?’
‘અને તમે પણ એટલાં બધાં સુંદર છો કે ફિલ્મની હીરોઈન બની શકો તેમ છો, છતાં સ્ટુડિયોમાં જવાને બદલે ઘરમાં કામ કેમ કર્યા કરો છો ?’ ફકીરે કહ્યું.
‘ઊભો રહે તારા માટે કાંઈક લઈ આવું.’ ખુશ થઈને સ્ત્રી બોલી.
*************
એક માજીને ચક્કર આવવાથી ડૉક્ટરને બતાવવા ગયાં હતાં.
ડોક્ટરે પૂછ્યું : ‘શી તકલીફ છે ?’
‘હતી, પણ હવે નથી.’
‘તો પછી અહીં આવવાનું પ્રયોજન શું ?’
‘તકલીફ હતી તેથી તો આવી છું. પણ આરામ કરવાથી તો ફાયદો થઈ ગયો.’
‘આરામ ?’ ડોક્ટરે પૂછ્યું.
માજીએ જણાવ્યું : ‘હા, મારો વારો આવતાં મારે બે કલાક બેસી રહેવું પડ્યું. એમાં આરામ થઈ ગયો.’
*************
પ્રેમિકાએ કહ્યું : ‘જ્યારે હું પત્ની બનીને તમારે ત્યાં આવીશ ત્યારે ઘર રોશનીથી ભરાઈ જશે.’
પ્રેમીએ આ સાંભળી હસતાં હસતાં કહ્યું : ‘તો તો પછી હું વીજળીનું કનેકશન જ કપાવી નાખીશ.’
*************
બાબુ : ‘મારા કાકાની પાસે સાયકલથી માંડીને હવાઈ જહાજ સુધી બધું જ છે.’
કનુ : ‘તારા કાકા શેનો વેપાર કરે છે ?’
બાબુ : ‘તેમની રમકડાંની દુકાન છે.’
**************
‘જ્યારે આ સ્ત્રીને તેના પતિ સાથે ઝઘડો થયો હતો ત્યારે શું તું ત્યાં હતો ?’ ન્યાયાધીશે કનુને પૂછ્યું.
‘જી, હા.’ પંદર વર્ષના કનુએ કહ્યું.
‘તારે સાક્ષી તરીકે શું કહેવાનું છે ?’
‘એ જ કે હું કદી પરણીશ નહીં.’
**************
શિક્ષક : ‘1869માં શું થયું હતું ?’
મગન : ‘ગાંધીજી જન્મયા હતા.’
શિક્ષક : ‘1873માં શું થયું હતું ?’
મગન : ‘સાહેબ, 1873માં ગાંધીજી ચાર વર્ષના થયા હતા.’
*************
શિક્ષક : ‘ગાંધીજીની મહેનત રંગ લાવી એના પરિણામે 15 ઓગસ્ટના રોજ આપણને શું મળ્યું ?’
છગન : ‘રજા સાહેબ.’
**************
શિક્ષક : ‘બોલો બાળકો, ભગવાન ક્યાં રહે છે ?’
ગુડ્ડી : ‘ટીચર, મને લાગે છે કે ભગવાન અમારા બાથરૂમમાં રહેતા હોવા જોઈએ.’
શિક્ષક : ‘ગુડ્ડી, તને એવું કેમ લાગે છે બેટા ?’
ગુડ્ડી : ‘કેમ કે રોજ સવારે મારા પપ્પા બૂમો પાડે છે કે હે ભગવાન, તું હજીયે બાથરૂમમાં જ છે ?’
************
ફ્રી લંચ, ફ્રી રેસ્ટ, ફ્રી સ્ટે, ફ્રી સિક્યોરીટી…. સાથ મેં સંજયદત્ત કે સાથ રોજ ડિનર…. રસ છે ?
તો 100 નંબર ડાયલ કરીને કહો કે બોમ્બે બ્લાસ્ટમાં તમારો હાથ હતો !

No comments: